Archive for October, 2006
છલોછલ છલકતી શ્રધ્ધા - મકરંદ મુસળે
અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી
મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.
આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી
હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.
દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.
એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.
5 comments October 31, 2006
નાજુક ક્ષણોની ગઝલ - અમિત વ્યાસ
પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;
ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે!
ટુકડા રૂપે મળે છે, જે બધું,
એ બધું ક્યાં સોયથી સંધાય છે!
રક્ષવાનું હોય છે હોવાપણું,
અહીં બધુંયે એકનું બે થાય છે!
કાચની સામે રહી જો એકલો,
નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!
5 comments October 30, 2006
આવ તું ..
થીજેલા ચહેરા પર
હુંફની ભીનાશ બનું
સ્મિત બની આવ તું
કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું
વસંતમાં ને પાનખરે
મહેકવું બારેમાસ મારે
ઝમઝમતું ઝરણું લઇ
પ્રીત બની આવ તું
- જયશ્રી
12 comments October 29, 2006
સમય - હરીન્દ્ર દવે
જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો
હું આ સમયમાં છું - એ મને ભ્રમ નથી રહ્યો
એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ;
હું ક્યાં સુખી છું? - એવો મને ગમ નથી રહ્યો
3 comments October 25, 2006
હરિ, દિવાળી કરી ? - રવીન્દ્ર પારેખ
તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?
ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?
હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?
આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?
2 comments October 23, 2006
સાલ મુબારક .. !!
આજ મુબારક…
કાલ મુબારક…
સૌને મારા વ્હાલ મુબારક…
સૌને મારા સાલ મુબારક…
અને નવા વર્ષની શરુઆત જરા હસીને કરીયે ? સાંભળો ટહુકા પર એક નટખટ ગીત…!!
3 comments October 23, 2006
વ્હાલબાવરીનું ગીત - રમેશ પારેખ
કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.
‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
-રમેશ પારેખ
2 comments October 21, 2006
દિવાળી ગઝલ - રવીન્દ્ર પારેખ
એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.
આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લઇ આવ તું.
હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.
ને તને શ્ર્ધ્ધા જ હો કે નહીં ડૂબે,
તો ભલે જળમાં દીવો સરકાવ તું.
કે હવે ક્યાંથી સળગશે જ્યોત થઇ?
થઇ ચૂકી અંધારમાં ગરકાવ તું.
એટલાથી જાત કૈં પરખાય ના -
સેંકડો દીવા ભલે સળગાવ તું.
એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.
Add comment October 21, 2006
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
હે મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
ગોત્યો મેં ઉષામાં, ગોત્યો મેં સંધ્યામાં
ગોતી ગોતી થાકી તો યે ક્યાંક ના જડે…
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
ઓલ્યો કાજળનો રંગ, ઓલ્યો કુમકુમનો રંગ
ઓલી મહેંદીનો રંગ, ફોર્યાં ફૂલડાંનો રંગ
મારા નંદવાયા કાળજાની કોર ના ચડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
રંગીલો મોરલો ને નવલી કંકાવટી
સપ્તરંગી લહેરીયું વર્ષા લહેરાવતી
મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી
હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
5 comments October 20, 2006
મુક્તક - ‘મરીઝ’
એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
1 comment October 19, 2006




