ટહુકો.કોમ

ટહુકો તથા મોરપિચ્છ નામના મારા બ્લોગ્સ ને ‘ટહુકો.કોમ‘ નામ ની વેબસાઇટ તરીકે  આજથી પ્રસિદ્ધ કરી રહી છું. અહિયાં સુધી ની મારી યાત્રા માં આપના સુચનો અમુલ્ય રહ્યા. આશા રાખું છું કે ‘ટહુકો’ તેમજ ‘મોરપિચ્છ’ નું આ નવું સ્વરુપ આપને ગમશે અને ‘ટહુકો.કોમ” ને પણ આપનો એ જ હેત અને સન્માન મળશે.
આભાર સહ,
જયશ્રી ભક્ત

નવેમ્બર 25, 2006 at 3:46 એ એમ (am) 3 comments

પાનખરની પ્રીતડી અમારી – દલપત ચૌહાણ

સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી

છબછબતા સરવરનાં કમળોમાં ગુંજો ને
કાદવની ઠામણી અમારી.
મીઠી રે વીરડીનાં જળ તમને પહોંચે,
મૃગજળની ઝારિયું અમારી.

શબ્દોથી રણકંતી યાદ ફળે તમને ને
મૌનભરી વાત છે અમારી.
ગોખે બેસીને હૈયે વ્હાલમને દેજો ને
વિરહની વાટડી અમારી.

આભલાનાં રૂપ થઇ વરસો રે આમ ભલે,
કોડિયાની ભાત છે અમારી.
આપ્યાં રે રીત ગીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.

સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.

નવેમ્બર 20, 2006 at 7:57 એ એમ (am) 4 comments

પ્રેમ કેદખાનું નથી – પન્ના નાયક


રોજ સાથે ને સાથે રહેવાનું હોય તો ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

હું તો ડાળી પર કળી થઇ ઝૂલતી રહું;
મને ફૂલદાની હંમેશા નાની લાગે,
પળપળનો સાથ ને યુગયુગની વાત
મને જુઠ્ઠી અને આસમાની લાગે,

રોજ રોજ ગળપણ ખાવાનું હોય
તો એવું એ સગપણ પણ ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

એને પીંજરામાં પૂરી પુરાય નહીં,
ચાંદની રેલાય અને ચાંદની ફેલાય
એને મુઠ્ઠીમાં ઝાલી ઝલાય નહીં,
મને બાંધવા જશો તો છટકી હું જઇશ
અને બટકી હું જઇશ: મને ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

નવેમ્બર 17, 2006 at 7:49 એ એમ (am) 9 comments

અબોલડા – પ્રહલાદ પારેખ
ઉરે હતી વાત હજાર કે’વા
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;
જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
ઉજાશ શાં હાસ્ય મુખે ન આવિયાં.

નિસર્ગલીલા તુજ સાથ જોવા
હૈયે હતા કોડ, ન પાય ઊપડ્યા;
સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
ઉરે ઊઠયાં ગીત, બધાં શમાવ્યાં.

મળી મળી નેન વળી જતાં ફરી,
અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
હૈયું મૂગું ચાતક શું અધીર;
એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની :

એવો અબોલ-દિન છે સ્મૃતિમાં,
– જે દિ’ ચડ્યાં અંતર પૂર નેહનાં ?

નવેમ્બર 14, 2006 at 3:15 પી એમ(pm) 2 comments

આવું તો કે’જે – અશરફ ડબાવાલા


ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે

સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે

બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે

જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે

મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે

પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી
નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે

તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગ
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે

નવેમ્બર 13, 2006 at 6:38 પી એમ(pm) Leave a comment

કથા-વ્યથા વૃધ્ધાવસ્થાની – વિપિન પરીખ

હમણાં હમણાં

આમ તો કેટકેટલા ફોન કરું છું તને રોજરોજ !
આજે ફોન કર્યો ને સામેથી કોઇએ પૂછ્યું,
Hello, Whom, do you want ?
ત્યારે માનશે તારું નામ કેમેય યાદ જ ન આવે !
અસ્તિત્વ સાથે જોડાયેલું એક નામ
હોઠ ઉપર આવતા યુગો લાગે ?
મારી આંખ સહેજ ભીની થઇ.
હમણાં હમણાં ક્યારેક આવું બને છે !
કશુંક લેવા માટે
એક ઓરડામાંથી બીજા ઓરડામાં જાઉં છું.
ત્યાં પહોંચું ને
‘હું અહીં શા માટે ને શું લેવા આવ્યો ?’
વિમાસણમાં પડી જાઉં છું.
ખાલી હાથે પાછો ફરું છું.
હમણાં હમણાં ક્યારેક આવું બને છે !

અંધેરીની ટિકિટ લઇને હું ટ્રેનમાં બેસું છું.
લોકોની ચડઉતર વચ્ચે
કેટકેટલાં સ્ટેશન પસાર થઇ જાય છે
સ્ટેશને ઊતરું ત્યારે ખબર પડે
હું અંધેરી નહીં બોરીવલી ઊતર્યો છું
સ્મૃતિ ફંફોસું છું
ઝોકું તો નહોતું આવ્યું,
ક્યાં જવું હતું મારે ને ક્યાં આવી પહોંચ્યો !
ગભરાયેલો, પરસેવાથી રેબઝેબ થઇ જાઉં છું.
હમણાં હમણાં ક્યારેક આવું થઇ જાય છે !

નવેમ્બર 11, 2006 at 5:13 એ એમ (am) 5 comments

તો જાણું ! – સુરેશ દલાલ

મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.

હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

ડચકારા દઇ દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો;
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

નવેમ્બર 10, 2006 at 5:36 એ એમ (am) 5 comments

Older Posts


Blog Stats

  • 76,246 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.