Archive for જૂન, 2006

ચોટ ગોઝારી – અમૃત ‘ઘાયલ’

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી…

ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી…

મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !…

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી…

Advertisements

જૂન 30, 2006 at 3:08 એ એમ (am) 1 comment

તમારું જ નામ – અઝીઝ ટંકારવી

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.

તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ !

લથડવાનું પહેલેથી નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ

ભલે લોક એને કહે છે ગઝલ
‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ.

જૂન 29, 2006 at 7:21 પી એમ(pm) 2 comments

યાદ છે – અહમદ ગુલ

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

જૂન 28, 2006 at 7:39 પી એમ(pm) 4 comments

આયનાની જેમ – મનોજ ખંડેરિયા.

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેના અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

જૂન 28, 2006 at 1:40 એ એમ (am) 5 comments

કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! – કોઇ…

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળ પળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! – કોઇ…

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! – કોઇ…

મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે ! …

કોઇ પ્રીત કરી તો જાણે !

જૂન 26, 2006 at 3:16 એ એમ (am) 3 comments

બીજું હું કાંઇ ન માગું – ‘બાદરાયણ’

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

‘બાદરાયણ’ – ભાનુશંકર બા. વ્યાસ

જૂન 25, 2006 at 1:12 એ એમ (am) 4 comments

મને હું શોધું છું – દલપત પઢિયાર

ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને..

આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું…

કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું….

એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું…

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?

જૂન 23, 2006 at 10:42 પી એમ(pm) 2 comments

Older Posts


Blog Stats

  • 71,984 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.