રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )

જુલાઇ 29, 2006 at 10:15 પી એમ(pm) 4 comments

કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની”

જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂટીં શકે જીવન-બહાર

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર

ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી

સૌ પ્રથમ તો હું ન આવત. આવતે તો જાત ના
હોત મારા હાથમાં તો આમ ધક્કા ખાત ના
કિંતુ સારું તો હતે બસ એ જ કે મિથ્યા જગે
કષ્ટમય આવાગમનનો પ્રશ્ન ઊભો થાત ના

Advertisements

Entry filed under: રૂબાઇયાત.

અમથા અમથા – ‘સરોદ’ ફૂલડાંની ફોરમને કેમ રે… ? – પ્રેમશંકર ભટ્ટ.

4 ટિપ્પણીઓ Add your own

 • 1. Suresh  |  જુલાઇ 30, 2006 પર 5:16 એ એમ (am)

  “ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
  પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
  કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
  તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર.”

  મનહર ઉધાસે ગાયેલ ‘શૂન્ય’ની એક ગઝલ ‘નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો… ” ઉપરના શેરથી શરુ થાય છે. તે ગઝલમાંની મને એક બહુ જ ગમતી પંક્તિ –

  ” નથી કોઇ પણ માર્ગ દર્શક અમારો.
  નથી ક્યાંય પણ કોઇ મંઝિલ અમારી.
  મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર
  અમારી અદાથી સફર કોણ કરશે? “

  જવાબ આપો
 • 2. manvant  |  જુલાઇ 30, 2006 પર 1:09 પી એમ(pm)

  પારદર્શક સર્જન !ખૈય્યામ અને ગાલિબની
  તોલે કોણ આવે ?
  પ્રેમકેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર ..
  થી માંડીને.. જુલ્ફ પર સુધીના બધા શબ્દો
  સોને મઢ્યા છે.આભાર જયશ્રીબહેન !

  જવાબ આપો
 • 3. Dhaval  |  જુલાઇ 30, 2006 પર 1:40 પી એમ(pm)

  મારી પ્રિય રુબાઈયાત –

  મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
  બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
  જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
  એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

  ખૈયામ / શૂન્ય

  જવાબ આપો
 • 4. વિવેક  |  જુલાઇ 31, 2006 પર 1:01 એ એમ (am)

  રચનાને મુક્તક નામ આપવાને બદલે રૂબાઈ અથવા રૂબાઈયાત નામ આપ્યું હોત તો વધુ આસ્વાદ્ય લાગત… જો કે નામ ગમે તે આપો, ઉમર ખૈયામનો ખજાનો છે એટલો જ કિંમતી રહેવાનો… આટલા બધા મોતીઓ એકસાથે લઈ આવવા બદલ આભાર…

  થોડી બીજી રૂબાઈ વાંચવી હોય તો આ લિંક પર વાંચવા મળશે:

  http://layastaro.com/?cat=36&submit=view

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: