સહજ – કૃષ્ણ દવે

ઓગસ્ટ 2, 2006 at 11:49 પી એમ(pm) 8 comments

બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

માન, સન્માન આમંત્રણો પણ નહીં, આવવાના કશાં કારણો પણ નહીં
તે છતાં ઉમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે.
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહી જવા જે જતું હોય છે
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું
ઝૂલણાં છંદમાં આ રીતે પ્રગટવું? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

Advertisements

Entry filed under: ગઝલ.

અષાઢ આયો – નિરંજન ભગત મુક્તકો – રમેશ પારેખ

8 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  ઓગસ્ટ 3, 2006 પર 1:44 એ એમ (am)

  This post has been removed by the author.

  જવાબ આપો
 • 2. વિવેક  |  ઓગસ્ટ 3, 2006 પર 1:46 એ એમ (am)

  ઝૂલણા છંદ- ગાલગા ના આવર્તન-માં લખાયેલી સુંદર ગઝલ. કૃષ્ણ દવે ગીતોના માણસ છે એટલે એમની ગઝલમાં પણ ગીતોનો લય મહેસૂસ થાય. પણ ઘણી જગ્યાએ છંદ સાચવવા માટે શબ્દોના ઉચ્ચાર પ્રચલિત રીતથી અલગ કરાયા છે. જેમકે અહીં આ ઉચ્ચારો ગા-લ-ગાના ટુકડા જાળવવા આ રીતે કરવા પડશે:

  ઉમ-ડ-વું, ગર-જ-વું, વર-સ-વું, ઊઘ-ડ-વું, પ્રગ-ટ-વું…

  આ ઉચ્ચારોને માન્ય રાખી શકાય ખરા?

  જવાબ આપો
 • 3. પંચમ શુક્લ  |  ઓગસ્ટ 3, 2006 પર 9:45 એ એમ (am)

  આ ઊચ્ચારો કઠતા નથી માટે મારી દ્રષ્ટીએ ચોક્કસ માન્ય રાખી શકાય.
  આ એક ઝૂલણા છંદમાં અદભૂત ગીતનુમા-ગઝલ છે (વિશાળ પરિપ્રેક્ષ્યમાં એક સુંદર કાવ્ય)

  ખરેખરી મઝાતો આ ગઝલનેઃ ‘જાગને જાદવા…’ ના ઢાળમાં ગાવામાં છે.

  જવાબ આપો
 • 4. ઊર્મિસાગર  |  ઓગસ્ટ 3, 2006 પર 9:59 એ એમ (am)

  પંચમજી, તમે કહ્યા મુજબનાં ઢાળમાં ગાતાં ગાતાં ફરી ગઝલને વાંચી જોઇ તો ગઝલની મઝા બમણી થઇ ગઇ… ખૂબ જ સુંદર, આભાર!

  આભાર જયશ્રી!

  ઊર્મિસાગર,
  http://www.urmi.wordpress.com

  જવાબ આપો
 • 5. manvant  |  ઓગસ્ટ 3, 2006 પર 10:33 એ એમ (am)

  કાવ્ય સુન્દર છે.છેવટે તો ..કવિને….
  ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં
  અંતે તો હેમનું હેમ હોયે !’
  ‘આત્મનું,તત્વનું,મસ્તીના તોરનું…
  હેમથી હેમનું કે પ્રથમ પહોરનું..
  પ્રગટવું સહજ છે ‘…એજ દેખાય છે !
  ‘હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખં:
  તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે !આભાર!

  જવાબ આપો
 • 6. ધવલ  |  ઓગસ્ટ 3, 2006 પર 10:36 પી એમ(pm)

  કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે.
  એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

  લાગે છે કે જાણે કૃષ્ણ દવેને શબ્દોને સજીવન કરી દેવાનું વરદાન છે 🙂

  જવાબ આપો
 • 7. વિવેક  |  ઓગસ્ટ 4, 2006 પર 5:43 એ એમ (am)

  પ્રિય પંચમભાઈ,

  ગઝલશાસ્ત્રમાં આપ મારાથી વધુ જાણકાર છો એ હું જાણું છું. પણ ઉચ્ચારની આ પ્રકારની છૂટ ગીતમાં સ્વીકાર્ય બને, ગઝલમાં નહીં એમ હું નમ્રપણે માનું છું. આ ચારે ય શબ્દને આપણે પહેલા બે અક્ષર ભેગા કરીને કદી બોલતા નથી… અને એ રીતે બોલવાથી મને તો કઠતું હોય એમ જ લાગે છે… થોડો વધુ પ્રકાશ પાડવા વિનંતી…

  જવાબ આપો
 • 8. પંચમ શુક્લ  |  ઓગસ્ટ 4, 2006 પર 11:56 એ એમ (am)

  વિવેકભાઇ
  તમે બહુ જૂનો અને ચર્ચાસ્પદ વિષય લાવ્યા છો. વિવેચકો (મોટા ભાગે અછાંદસ લખવાવાળા) જો કે હવે આ બાબતમાં બહુ માથું નથી મારતાં.

  જો આપણે ગઝલને ગુજરાતી કાવ્ય પ્રકાર ગણી જ લીધો હોય અને એના અરકાનને આપણાં માત્રામેળ છંદો સાથે સરખાવીએ તો આપણા માત્રામેળ છંદો પાઠ્ય કે ગેય છે અને છંદ પ્રમાંણે પઠન કે ગાન સ્વીકૃત છે. (ઊદા. ૧. મનહર છંદ, ૨. ગીત સાથે ઢાળનો સંદર્ભ).

  અપવાદ રુપે અક્ષરમેળ છંદો તદ્દન જૂદું રૂપ ને ચુસ્તી માગી લે છે…ત્યાં આવી કશી જ બાંધછોડ સ્વીકાર્ય નથી…કારણ કે એવી છૂટ સાથે એ એની પાઠ્યતા કે ગેયતા ગુમાવવાની શક્યતા વધી જાય છે. (કદાચઃ એમીનો એસીડ જેમ એક સાથે એનેક લઘુ અને ગુરુના જોડાણો બહુજ સંવેદનશીલ છે.) અને એ જ કારણે આજકાલ શાસ્રીય છંદોમાં (ઊદા. શિખરીણી, મંદાક્રાંતા) મર્યાદિત રચનાઓ જોવા મળે છે.

  મારી દ્રષ્ટીએ કેટ્લીક રુઢ માન્યતાઓ ..ગઝલનો અમુક રીતે જ સ્વીકાર, અમુક જ પરિભાષા એ બધું હજી બદલાયું નથી….આખરે ગુજરાતી-ગઝલ પણ એક કાવ્ય જ છે…
  અંગત રીતે હું એક ઉત્તમ ગઝલકાર (શાયર)ને કવિ તરીકે જોવું વધારે પસંદ કરું છું.

  આખરે તો આ પ્રશ્ન કવિ અને વિવેચક વચ્ચે આવીને અટવાયા જ કરશે…..અને એટ્લે જ કવિનાં સ્વયં પઠનનો મહિમા છે….જેમાં ઊચ્ચારની અવઢવ આપોઆપ દૂર થઈ જાય છે.
  અને શુધ્ધ ભાવક તો આ બધાથી મુક્ત જ છે…

  હકીકતમાં મને ગઝલશાસ્ત્રનો બહુજ મયાદિત પરિચય છે.
  મારા માટે ‘ગાલગાગા’ સમજવું ગઝલનાં અરકાન અને અરૂઝ કરતાં વધુ સહજ છે.
  મારી બહુજ અલ્પ સમજ પ્રમાણે મેં મારું મંતવ્ય રજૂ કર્યું છે.
  ખબર નૈ આપને આનાથી સંતોષ થશે કે કેમ?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: