Archive for સપ્ટેમ્બર, 2006

ગઝલ – ચિનુ મોદી

આયનેથી ધૂળ ઝાપટજે હવે
તું ત્વચા ફાડીને અવતરજે હવે

પાપણો બાળી ગયા છે એટલે
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે

મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર
વીજળીની જેમ ત્રાટકજે હવે

હાથ મારો હાથમાં લીધો તો છે
રોગ શો છે એય પારખજે હવે

જાતને સીમિત કરી ઇર્શાદ તેં
શંખમાં દરિયાને સાંભળજે હવે

હું રાજી રાજી થઇ ગયો છું જોઇ જોઇને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઇ ધોઇને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઇને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઇને

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઇ શકું હોઇ હોઇને

ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.

Advertisements

સપ્ટેમ્બર 30, 2006 at 8:03 એ એમ (am) 1 comment

છૂટ છે તને – ડૉ. વિવેક મનહર ટેલર

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

સપ્ટેમ્બર 28, 2006 at 7:54 પી એમ(pm) 5 comments

લાજ રાખી છે – કૈલાસ પંડિત

[odeo=http://odeo.com/audio/2001239/view]

ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે

તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે

ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા
અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે

પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની
કફન ઓઢાળીને મારી, ખુદાએ લાજ રાખી છે

સપ્ટેમ્બર 28, 2006 at 5:51 એ એમ (am) 2 comments

ધન્ય ભાગ્ય – ‘ઉશનસ’

બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન ! – બાઇ રે..

ઊંચે વ્યોમભવન, ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. – બાઇ રે..

કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. – બાઇ રે..

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઇ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! – બાઇ રે..

સપ્ટેમ્બર 28, 2006 at 4:04 એ એમ (am) 2 comments

સૃષ્ટિ છે એક કોયડો – રમેશ પારેખ

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
– એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

જે કહેતું’તું – કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !

સપ્ટેમ્બર 27, 2006 at 3:52 એ એમ (am) 2 comments

ભીતરે – પુષ્પા મહેતા ( પારેખ )

રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે
ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે

સ્વપ્નમાં સાચી પરી આવે પછી
રોજ સપનાઓ તૂટે છે ભીતરે

ગાર-માટીના લીંપણ શોભાવતા
ટેરવાં ઓકળ ધૂટેં છે ભીતરે

એક ટીપું અશ્રુનું ટપક્યું અને
બંધ દરિયાના છૂટે છે ભીતરે

મુખે ઉપર તો હાસ્યનો પમરાટને
રક્તના ટશિયા ફૂટે છે ભીતરે

જીવતરમાં શું વધ્યું છે શેષમાં
એ પલાખા મન ઘૂંટે છે ભીતરે

સપ્ટેમ્બર 25, 2006 at 12:43 એ એમ (am) 1 comment

કોણ માનશે ?

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?
ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?
 
–  જયશ્રી.
—–
વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું;
ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે?
( આ શેર ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની એક વાર્તામાં શિર્ષકમાં છે, પણ કવિનું નામ મને ના મળ્યું. આખી ગઝલ કે મુક્તક તમારી પાસે હોય તો મને મોકલવા વિનંતી. )

સપ્ટેમ્બર 22, 2006 at 2:30 પી એમ(pm) 2 comments

Older Posts


Blog Stats

  • 71,984 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.