Archive for ઓક્ટોબર, 2006

છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

Advertisements

ઓક્ટોબર 31, 2006 at 9:17 એ એમ (am) 5 comments

નાજુક ક્ષણોની ગઝલ – અમિત વ્યાસ

પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;
ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે!

ટુકડા રૂપે મળે છે, જે બધું,
એ બધું ક્યાં સોયથી સંધાય છે!

રક્ષવાનું હોય છે હોવાપણું,
અહીં બધુંયે એકનું બે થાય છે!

કાચની સામે રહી જો એકલો,
નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!

છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!

ઓક્ટોબર 30, 2006 at 8:16 એ એમ (am) 5 comments

આવ તું ..

થીજેલા ચહેરા પર
હુંફની ભીનાશ બનું
સ્મિત બની આવ તું

કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું

વસંતમાં ને પાનખરે
મહેકવું બારેમાસ મારે
ઝમઝમતું ઝરણું લઇ
પ્રીત બની આવ તું

– જયશ્રી

ઓક્ટોબર 29, 2006 at 9:30 પી એમ(pm) 12 comments

સમય – હરીન્દ્ર દવે

જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો
હું આ સમયમાં છું – એ મને ભ્રમ નથી રહ્યો
એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ;
હું ક્યાં સુખી છું? – એવો મને ગમ નથી રહ્યો

ઓક્ટોબર 25, 2006 at 6:20 એ એમ (am) 3 comments

હરિ, દિવાળી કરી ? – રવીન્દ્ર પારેખતારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

ઓક્ટોબર 23, 2006 at 2:34 પી એમ(pm) 2 comments

સાલ મુબારક .. !!

આજ મુબારક…
કાલ મુબારક…
સૌને મારા વ્હાલ મુબારક…
સૌને મારા સાલ મુબારક…

અને નવા વર્ષની શરુઆત જરા હસીને કરીયે ? સાંભળો ટહુકા પર એક નટખટ ગીત…!!

ઓક્ટોબર 23, 2006 at 7:48 એ એમ (am) 3 comments

વ્હાલબાવરીનું ગીત – રમેશ પારેખ

કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.

‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

-રમેશ પારેખ

ઓક્ટોબર 21, 2006 at 5:58 એ એમ (am) 2 comments

Older Posts


Blog Stats

  • 71,984 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.