નવરાત્રીના સ્મરણો…

ઓક્ટોબર 2, 2006 at 6:36 એ એમ (am) 5 comments

જેમ જેમ એસ.વી. ના પ્રભાતના પુષ્પોમાં એક પછી એક જુના જુના ગરબા વાંચુ અને સાંભળું છું એમ એમ મને મારા બાળપણના નવરાત્રીના દિવસો વધુ યાદ આવે છે. મારી ઉંમર ત્યારે 10-12 વર્ષની.. અમારી કોલોનીમાં ખાસ તો ટેનિસ માટેનું એક મેદાન હતું, જેને અમે કાળા મેદાન તરીકે ઓળખતા. દર વર્ષે નવરાત્રી ત્યાં જ થતી. માતાજીનો ફોટો, માટલી, એ ખુરશી જેના પર ફોટો મુકાતો.. બધું વર્ષો સુધી એ નુ એ જ. સાંજે લગભગ 8.00 વાગ્યા ની આજુ બાજુ ગરબા ગાવાનું ચાલું થાય.

માઇક ગોઠવાતુ ખરું, અને કોઇ કોઇ માઇક પાસે ઉભા રહીને ગવડાવતા. તો વળી કોઇ માસી ગરબે ઘુમતા જાય અને ગવડાવતા જાય. મોટે ભાગે 2-3 જણા ગવડાવે અને બાકીના ઝીલે. ‘ચપટી ભરી ચોખા ને ઘી નો તે દીવડો.. ‘, ‘પંખીડા તુ ઉડી જાજે પાવાગઢ રે’, ‘આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ’ એવા તો ઘણા ગરબા ગવાતા. અને ત્યારે ખરેખર ગરબાના શબ્દો અને તાળી સંભળાતા. 2 તાળી, કે 3 તાળી… બધા સરખુ રમે.

અને અમુક વાતે તો વણલખ્યા નિયમો બની ગયા હતા. સંગીતનો સાથ મળે એ માટે કાયમ જશુકાકા ઢોલ વગાડતા. મને યાદ છે, કોઇ કોઇ વાર મારો ભાઇ, ‘અલ્પેશભાઇ’ પણ એમને સાથ આપતો. ત્યારે તો ભાઇ નાનો.. પણ એને પહેલેથી સંગીતમાં રૂચી, એટલે કદાચ વગર શિખવાડ્યે થોડુ થોડુ તાલ આપતા એને આવડી ગયું હતું. અને પટેલકાકા ના ગરબા વગર તો એક પણ દિવસ ના જાય. આમ તો કોલોનીમાં ઘણા બધા કાકા એવા હતા કે જેમની અટક પટેલ હોય, પણ અમારા માટે પટેલકાકા એટલે અમિતા અને બ્રિજેશના પપ્પા.

પટેલકાકા ગવડાવતા હોય એટલે બીજા કોઇને એમની પાસેથી માઇક લેવાની ઇચ્છાના થાય, એટલી સરસ રીતે એક પછી એક ગરબા એ ગવડાવતા. અને ઘણી વાર એ નવા નવા ગરબા પણ લઇ આવતા.. ‘મારી મહિસાગરની આરે ઢોલ વાગે સે..’ કે ‘નદી કિનારે નાળિયેરી રે..’ એવા ઘણા ગરબા એમણે શિખવાડેલા એમ કહું તો ચાલે.

હું, સપના, સોનલ, ડિંપુ, નિધી, મિરલ.. બધા સરખી ઉંમરના.. અને ગરબામાં અમારા સિનિયર એટલે દેવલ – સેજલ, મેધના, અંજુબેન, વૈશાલી.. જો કે એ બધા પણ ત્યારે તો 10-12 ધોરણમાં જતી છોકરીઓ જ.. પણ અમારા કરતા બધા મોટા, એટલે અમને ગરબા માટે થોડી ટિપ્સ મળી રહેતી.

પહેલા આરતી અને પછી આખી રાત ગરબા. એવું તો મેં અતુલ છોડ્યા પછી જ જોયું. અતુલની એ સુવિધા કોલોનીના વર્ષોના નિયમ પ્રમાણે તો આરતી છેલ્લે જ થતી. મોટે ભાગે બધા કાકાઓને સવારે 8.00 વાગે ઓફિસ પહોંચવાનું, અને છોકરાની પણ સ્કુલ ચાલે, એટલે મોડી રાત સુઘી ગરબા નો’તા થતા. 8.00 વાગે ચાલુ થાય, અને મોટેભાગે 10.00 – 10.30 સુઘીમા તો પુરા. પછી આરતી થાય, પ્રસાદ વહેંચાય, અને 11.00 સુઘીમાં તો બધા ઘર ભેગા.

પરંતું શનિવારે એમા છૂટ લઇ લે’તા. (રવિવારનો એટલો ફાયદો ઉઠાવાતો. ) રવિવારે ગરબા અને આરતી પૂરા થયા પછી દાંડિયાનો પ્રોગ્રામ થતો.. મઝા આવતી.. ઘણા છોકરાઓ અને કાકાઓ જે બાકીના દિવસો પ્રેક્ષકોમાં જ હોય, એ પણ દાંડિયા રમવા આવે.. મને હજુ પણ યાદ છે, મોટાભાગે તો કાયમ એક જ સંગીતથી અમારા દાંડિયા શરૂ થતા.. ‘સુહાના સફર ઔર યે મૌસમ હંસી.. ‘

મને ભાઇની એક વાત યાદ આવે છે. નવરાત્રી પછી આવતી દિવાળીની તૈયારી બજારમાં દેખાતી તો હોય છે જ, એટલે મારા ભાઇને પિસ્તોલમા નાખવાનો રોલ આરામથી મળી રહેતો.. દાડિયા રમતી વખતે ભાઇ પોતાના દાંડિયા પર એક તરફ એ રોલ લગાવી દેતો. પછી જેને થોડુ ડરાવવું હોય, કે જેની સાથે જરા મસ્તી કરવી હોય, એ જ્યારે સામે આવે ત્યારે દાંડિયું થોડુ ફેરવી લે… એટલે 4-5 વાર માંથી એક વાર તો ફટાકડો ફૂટે.. એવી નિર્દોષ મસ્તી કરવાની મઝા આવતી…

હવે આજ કલ જે રીતે નવરાત્રી બધે થાય છે, ખાસ કરીને શહેરોમાં, તો જ્યાં મોટા પાયે બધું થતું હોય ત્યાં તો નવરાત્રી છતાં તાળી સાંભળવા ના મળે, અને ગરબા થાય પણ 5-6 કે 10-12 જણા ના નાના નાના કુંડાળા બને.. ‘માનો ગરબો રે..’ કે પછી ‘માડી તારા મંદિરીયામાં…’ થી ચાલુ થતી ગરબાની રમઝટમાં ‘પરી હું મૈં’ અને ‘રંગીલા રે’ પણ આવી જાય…

હું પોતે એવી નવરાત્રીઓમાં ગઇ છું, અને રાતે 3-4 વાગા સુઘી એક પણ તાળી વગર દોઢિયા કરીને રમી પણ છું. પણ છતાં પણ, મને અમારી સુવિધા કોલોની જેવી મઝા કોઇ દિવસ નથી આવી. કદાચ બાળપણની બધી યાદો સાથે આવું જ થતુ હશે.

Entry filed under: કંઇક મારા તરફથી.

કોણ માનશે? – ‘મરીઝ’ ગઝલ – બેદાર લાજપુરી

5 ટિપ્પણીઓ Add your own

  • 1. amit pisavadiya  |  ઓક્ટોબર 2, 2006 પર 7:24 એ એમ (am)

    🙂
    હેપી દશેરા.

    જવાબ આપો
  • 2. Ajay Patel  |  ઓક્ટોબર 3, 2006 પર 6:13 પી એમ(pm)

    જયશ્રી, આ માટે કૉમેંટ લખુ કે નિબંધ?? આપણી સુવિધા – એની નવરાત્રી યાદ કરાવીને તો આંખમાં આનંદ ના આંસુ આવી ગયા.

    ખુબ યાદ આવી એ જુના દિવસોની અને એ બધા પડોશીઓ ની. કેવી કુટુંબ ભાવના હતી ને એ વખતે. હવે વલસાડ જઈશ ને ત્યારે હું જરુર જઇશ સુવિધામાં.

    તારી વાત સાચી છે. હવે “મોટા પાયે થતા ધંધાદારી ” ગરબાઓ માં બનાવટ ની ગંધ આવે છે. એના કરતા તો ગામ ની શેરીમાં માત્ર ચાંદની અને દિવાના પ્રકાશ માં અને માઇક તથા લાઉડ સ્પિકર વગર થતા ગરબા માણવાની મજા જ અનેરી હોય છે.

    આપણા અતુલમાં ઉત્કર્ષના ગ્રાઉન્ડ માં થતા ગરબા યાદ છે કે?? આવા વાર – તહેવારે યાદ કરાવતી રહેજે.

    જવાબ આપો
  • 3. Chirag Patel  |  ઓક્ટોબર 11, 2006 પર 2:36 પી એમ(pm)

    I love GARBA very much. You revived my memories! I spent 7 years of life in a small town – Vansda. We used to have garba around a big tower in the middle of the town. I moved to Vadodara and then found different taste of garba. Vadodara still kept traditional garba/raas at every corner. You might not find old “garba” garba, but based on SUGAM SANGEET and real poetries. Also, people do not form small groups, instead they do real garbas. Arkee group is very famous and if you get a chance, listen to those garbas. You will find Vadodara garbas different from that anywhere else.

    Take care.

    જવાબ આપો
  • 4. Mayank Patel  |  સપ્ટેમ્બર 26, 2008 પર 6:41 એ એમ (am)

    I love GARBA very much from Baroda,United way and Maa Shakti Arkee.Even across the world i dont think this type of GARBA we found.Really amazing.I am also from Baroda.

    જવાબ આપો
  • 5. vinod mishra  |  નવેમ્બર 3, 2008 પર 10:53 એ એમ (am)

    just LOVE to listen garba sang by ACHAL MEHTA & his team . I dont think any where in the world NAVRATRI is being celebrated in such amazing way. MAA SHAKTI ARKEE deserves a credit.

    જવાબ આપો

Leave a reply to Chirag Patel જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 82,981 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.