હું જ છું મારી શિલ્પી

આજથી લગભગ 6 વર્ષ પહેલા ગાંધીનગર – અક્ષરધામની મુલાકાત વખતે આ અધુરું શિલ્પ જોયું હતું. પપ્પા સાથે હતા, અને એમણે ત્યારે જરા સમજાવેલું પણ ખરું. પણ હું તો એને તરત ભૂલી ગઇ’તી. 2 વર્ષ પછી પહેલી વાર જ્યારે ઓફિસના કામથી 1 અઠવાડિયા માટે બહાર જવાનું હતું, ત્યારે મનમાં થોડો ખચકાટ અને ડર હતો. ત્યારે પપ્પા સાથે વાત કરતા એમણે મને આ શિલ્પ અને એની સાથે લખેલ વાક્ય યાદ કરાવ્યું. ” તમે જ તમારા શિલ્પી છો. ” અને પછી તો ઘણી વાર એ વાત યાદ કરીને self motivation અનુભવું છું.

——

હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.

લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.

અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.

સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.

જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.

– જયશ્રી

——–

મને ખબર છે, ઉપર જે લખ્યું છે, એમાં છંદનું તો નામો-નિશાન નથી.. અને જાતે જ લખ્યું છે, એટલે જોડણીની ભૂલ પણ હોવાની. જ. વડીલો અને મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ભૂલ હોય ત્યાં માર્ગદર્શન આપશો.

Advertisements

નવેમ્બર 8, 2006 at 6:48 એ એમ (am) 15 comments

રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે

ઘેરો થયો તો ઔર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં
જોઇ શકો તો જોજો કે સાકીનો રંગ છે

બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

નવેમ્બર 7, 2006 at 8:01 એ એમ (am) 4 comments

અલબેલો અંધાર હતો – વેણીભાઇ પુરોહિત


એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોભાર હતો.

ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

નવેમ્બર 6, 2006 at 3:07 પી એમ(pm) 3 comments

તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત

મોરપિચ્છ અને ટહુકા પર આ પહેલા ઘણીવાર સરખા સરખા લાગતા ગીતો મુક્યા છે, યાદ છે ને ? પણ આજે એક જ ગીત બન્ને બ્લોગ પર. ટહુકા પર ત્રણ અલગ અલગ રીતે એક જ ગીત સાંભળો.

મોરપિચ્છ પર એ જ ગીતની બાકીની કળીઓ મુકી છે, જે આટલા બધા ગાયકોએ આ ગીત ગાવા છતાં આજ સુધી કોઇ ગીતમાં સાંભળવા નથી મળી.

ગુજરાતી પ્રણયગીતો માં મને સૌથી વધુ ગમતા આ ગીતની એક ખાસિયત હું એ જણાવી શકું, કે એક જ ગીતમાં કવિએ પ્રેમની ઉંડાઇ ( તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી ) અને પ્રેમની ઉંચાઇ ( તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો ) દર્શાવી છે.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

નવેમ્બર 5, 2006 at 10:32 એ એમ (am) 11 comments

ગઝલ – રુસ્વા મઝલુમી


ન પૂછશો દોસ્તો – એ, લાજની મારી હતી, કેવી ?
કે મારા હાથમાં લેટી રહી’તી ચાંદની કેવી ?

અમે કલ્પી હતી કેવી અને એ નીકળી કેવી ?
હવે શો ફાયદો કહેવાથી કે દુનિયા હતી કેવી ?

હતી પહેલાં હવે એવી અમારી જિંદગી કેવી ?
નથી એ યાદ પણ ત્યારે હતી મનમાં ખુશી કેવી ?

દિલાસો આપવા માટે પધાર્યા હોય ના પોતે ?
કબરનાં ઘોર અંધારે નહીં તો રોશની કેવી ?

ખુદાની મહેર છે, મીઠી નજર છે મહેરબાની છે,
અમારે ખોટ કૈં કેવી, અમારે કંઇ કમી કેવી ?

મને એકાંત આપો મારે અંગત વાત કહેવી છે
ખુદા જાણે કયામતમાં મળશે મેદની કેવી ?

સરળ શબ્દો વડે ‘રુસ્વા’ ગહન મર્મો ઉકેલે છે
છતાંય એની ગઝલોમાં મળે છે સાદગી કેવી ?

નવેમ્બર 4, 2006 at 3:43 પી એમ(pm) Leave a comment

અવાજથી ધ્વનિ સુધીની યાત્રા – લાભશંકર ઠાકર

સામે કાંઠે
જંડી છે
આવતાંય અને જાતાંય
કોઇ અમૂલખ વસ્તુ
ભાષામાં

વાગી છે
પ્રેમની પ્રેમની પ્રેમની
કટારી
ભાષામાં

કેવું ઝીણું રે કાત્યું છે
નથી રાખ્યું કંઇ બાકી
ભાષામાં

લયના હિલોળે
આહા, પેટી ઘડી છે પુરુષોત્તમ
કેરી
ભાષામાં

ભાણાતીત ભાષાના તાળામાં, રે
આ તન્મય તન્મય
ભાષાકૂંચી
ફરતી રે
ખટ ખૂલવાની આશામાં
ભાષામાં.

નવેમ્બર 3, 2006 at 4:39 એ એમ (am) 2 comments

વ્હાલ – રમેશ પારેખ

વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું ?

ફૂગ્ગા ને ફરફરિયાં જોઉં, જોઉં લેણા-દેણી
કોઇક વેચે વાચા, કોઇક વ્હોરે ફૂલની વેણી
કોઇક ખૂણે વેચે કોઇ પરમારથનું પ્યાલું.

કયાંક ભજન વેચાય, ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ-સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું.

કોઇક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઇક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
શું લઇશ તું? – પૂછે મને આ મારું ગજવું ઠાલું.

નવેમ્બર 2, 2006 at 7:14 એ એમ (am) 2 comments

Older Posts Newer Posts


Blog Stats

  • 76,071 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.