Archive for જૂન, 2006

રજકણ – હરીન્દ્ર દવે

રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઇ ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાય;

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

ડૉ.વિવેક ટેલર ના શબ્દોમાં આ કવિતાનો ભાવાર્થ :

આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા આ સપનાંથી સદૈવ વેગળી રહે છે… એક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? એ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી…

પણ આ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો જ હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને એ પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ ન હોય- છે તો ઉછીનું જ અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં જ હોય છે.

અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું ન જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ ન માંગવી પડે…સ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો ન જોઈએ…

જૂન 18, 2006 at 5:58 પી એમ(pm) 8 comments

મુક્તકો – કૈલાસ પંડિત

કોયલોના કાન સરવા થઇ ગયા
ઊતર્યા છે ક્યાંથી ટહુકા પહાડમાં
મોરલી ગુંજી હશે વૃંદાવને
ઘૂંઘરું ખનક્યા હશે મેવાડમાં
————————————————-

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?
————————————————-

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
————————————————-

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
————————————————-

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
————————————————-

જૂન 17, 2006 at 9:12 પી એમ(pm) 5 comments

તારી હથેળીને …. – તુષાર શુક્લ.

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

—————————————-

દરિયા ને જોઇ હું તો….

આ ગઝલ મેં 7-8 વર્ષ પહેલા એક ગુજરાતી ગીતોની cassette -\’તારી આંખનો અફીણી\’ મા સાંભળેલી. ( Not the one by Solibhai ).

After returning that cassette to original owner, I am still searching for that album. It had 8-9 gujarati tracks – Including \’તારી આંખનો અફીણી\’ , \’મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી\’, \’\nદરિયા ને જોઇ હું તો….\’\n

આ ગઝલની મને જે 1-2 પંક્તિઓ યાદ છે, એ અહીં લખું છું. એ સાથે વિનંતી કરું છું, કે જો કોઇ પાસે આ ગઝલ હોય, તો મને મોકલશો.\n

દરિયા ને જોઇ હું તો દરિયો થઇ જાઉં, મને દરિયો દેખાય તારી આંખમાં…\n

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા દરિયાને સપનું એક આવ્યું…\n
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ, માછલીને મીઠુ જળ પાયું..\n
……………………………. મોરપીછું લહેરાય તારી આંખમાં……….\n

જૂન 16, 2006 at 9:19 પી એમ(pm) Leave a comment

ઓ ઇશ્વર ભજીએ તને,…

ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન

જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

 

( આ પ્રાર્થના ના રચનાર કોણ, એ તો મને ખબર નથી. પરંતુ મને યાદ છે, કે જ્યારે નાનપણમાં મમ્મીને પૂછ્યું, કે ભગવાનને રોજ સવારે હાથ જોડીને શું કહેવાનું, ત્યારે મમ્મીએ આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ શીખવાડેલી. ત્યારથી આ સરળ પ્રાર્થના મને ઘણી વ્હાલી.)

જૂન 16, 2006 at 9:55 એ એમ (am) 1 comment

પાસપાસે તોયે – માધવ રામાનુજ

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો

કોઇ દહાડો સુખ મળતું નથી,

આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી

ફળિયામાં સળવળતું નથી;

આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય

કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?

આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,

કે યાદ જેવું કોઇ બારણું હશે?

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

જૂન 15, 2006 at 12:31 પી એમ(pm) 4 comments

વીજળીને ચમકારે – ગંગા સતી

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે…. – વીજળીને ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય… – વીજળીને ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત – વીજળીને ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. – વીજળીને ચમકારે

જૂન 14, 2006 at 6:24 પી એમ(pm) 4 comments

Some flowers for your desktop.




જૂન 13, 2006 at 6:57 એ એમ (am) 2 comments

મોરપિચ્છ – જયંત પલાણ

મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …

ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …

પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …

જૂન 13, 2006 at 12:15 એ એમ (am) 6 comments

Newer Posts


Blog Stats

  • 82,999 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.